Sunday, 21 July 2013

SHIKSHAK

બાળક વ્હાલાં જેમને, ઘોંઘાટે ન મુંઝાય,
સદાય શાંતિ જાળવે, તે શિક્ષક કહેવાય.
ઓછાબોલા જે અતિ, સુદૃઢ જેની કાય,
તનમન તેજે આંજતો, તે શિક્ષક કહેવાય.
જેનું મોં જોઈ સદાય, બાળક ઘેલાં થાય,
ગળે આવી લટકી પડે, તે શિક્ષક કહેવાય.
બાળક સાથે ખેલતાં, જરીયે ના શરમાય,
બાળકને મન માનીતો, તે શિક્ષક કહેવાય.
નૈસર્ગિક વિકાસ જે, બાળક કરતું જાય,
દ્રષ્ટા તેનો જે બને, તે શિક્ષક કહેવાય.
માતા સમ મમતાભર્યો, પિતા સમ પ્રેમાળ,
ભાવ મહીં ભાંડું સમો, તે શિક્ષક કહેવાય.
શિક્ષક બાળકનો છતાં શીખતો બાળક પાસ,
ભૂલોને ન છુપાવતો, તે શિક્ષક કહેવાય.
શિક્ષણના વિષયો વિશે, સળંગ દ્રષ્ટિ જાય,
શીખવે રસમય રીતથી, તે શિક્ષક કહેવાય.
આજીવન અભ્યાસી ને જ્ઞાનથી ના છલકાય,
સદાય જિજ્ઞાસુ રહે, તે શિક્ષક કહેવાય.
ચોખ્ખું જીવન જેમનું, અરીસા સમ દેખાય,
ત્યાગવૃત્તિનું તેજ જ્યાં, તે શિક્ષક કહેવાય.
બોલે તેવું આચરે, આડંબર ના જરાય,
અભિમાન જેને નહી, તે શિક્ષક કહેવાય.
સેવાવૃતિથી બધાં કાર્યો કરતો જાય,
પ્રેમ વડે જગ જીતતો, તે શિક્ષક કહેવાય.
વિદ્યા ભણવી, ભણાવવી એમાં માને શ્રેય,
સાચા શિક્ષકનું સદા સેવા જીવનધ્યેય, તેજ સાચો શિક્ષક કહેવાય.
— with Deepaben Shimpi

No comments:

Post a Comment